Shree Hari ni Swabhavik Chesta na Pado

Shree Hari ni Swabhavik Chesta na Pado

Shree Hari ni Swabhavik Chesta na Pado

શ્રી હરિની સ્વાભાવિક ચેષ્ટાનાં પદો

SwamiNarayan Bhagwan Ni Swabhavik Chesta

સ્વામિનારાયણ ભગવાનની સ્વાભાવિક ચેષ્ટા

SwamiNarayan Bhagwan image

-: Gujarati language :-


પદ - ૧


પ્રથમ શ્રી હરિને રે, ચરણે શિશ નમાવું;

નૌતમ લીલા રે, નારાયણની ગાવું. ૧

મોટા મુનિવર રે, એકાગ્ર કરી મનને;

જેને કાજે રે, સેવે જાઇ વનને. ૨

આસન સાધી રે, ધ્યાન ધરીને ધારે;

જેની ચેષ્ટા રે, સ્નેહ કરી સંભારે. ૩

સહજ સ્વભાવિક રે, પ્રકૃતિ પુરુષોત્તમની;

સુણતાં સજની રે, બીક મટાડે જમની. ૪

ગાવું હેતે રે, હરિનાં ચરિત્ર સંભારી;

પાવન કરજો રે, પ્રભુજી બુદ્ધિ મારી. ૫

સહજ સ્વભાવે રે, બેઠા હોય હરિ જ્યારે;

તુલસીની માળા રે, કર લઇ ફેરવે ત્યારે. ૬

રમૂજ કરતા રે, રાજીવ નેણ રૂપાળા;

કોઇ હરિજનની રે, માગી લઇને માળા. ૭

બેવડી રાખી રે, બબે મણકા જોડે;

ફેરવે તાણી રે, કંઇક માળા તોડે. ૮

વાતો કરે રે, રમૂજ કરીને હસતા;

ભેળી કરી રે, માળા કરમાં ઘસતા. ૯

ક્યારેય મીંચી રે, નેત્ર કમળને સ્વામી;

પ્રેમાનંદ કહે રે, ધ્યાન ધરે બહુનામી. ૧૦


પદ - ૨


સાંભળ સૈયર રે, લીલા નટનાગરની;

સુણતાં સુખડું રે, આપે સુખ સાગરની. ૧

નેત્ર કમળને રે, રાખી ઉઘાડાં ક્યારે;

ધ્યાન ધરીને રે, બેસે જીવન બારે. ૨

ક્યારેક ચમકી રે, ધ્યાન કરતાં જાગે;

જોતાં જીવન રે, જન્મ મરણ દુઃખ ભાગે. ૩

પોતા આગળ રે, સભા ભરાઇ બેસે;

સંત હરિજન રે, સામુ જોઇ રહે છે. ૪

ધ્યાન ધરીને રે, બેઠા હોય હરિ પોતે;

સંત હરિજન રે, તૃપ્ત ન થાય જોતે. ૫

સાધુ કીર્તન રે, ગાય વજાડી વાજાં;

તેમને જોઇને રે, મગન થાય મહારાજા. ૬

તેમની ભેળા રે, ચપટી વજાડી ગાય;

સંત હરિજન રે, નિરખી રાજી થાય. ૭

ક્યારેક સાધુ રે, ગાય વજાડી તાળી;

ભેળા ગાય રે, તાળી દઇ વનમાળી. ૮

આગળ સાધુ રે, કીર્તન ગાય જ્યારે;

પોતા આગળ રે, કથા વંચાય ત્યારે. ૯

પોતે વાર્તા રે, કરતા હોય બહુનામી;

ખસતા આવે રે, પ્રેમાનંદનો સ્વામી. ૧૦


પદ - ૩


મનુષ્ય લીલા રે, કરતા મંગલકારી;

ભક્ત સભામાં રે, બેઠા ભવભય હારી. ૧

જેને જોતાં રે, જાયે જગ આશક્તિ;

જ્ઞાન વૈરાગ્ય રે, ધર્મ સહિત જે ભક્તિ. ૨

તે સંબંધી રે, વાર્તા કરતા ભારી;

હરિ સમજાવે રે, નીજ જનને સુખકારી. ૩

યોગ ને સાંખ્ય રે, પંચરાત્ર વેદાન્ત;

એ શાસ્ત્રનો રે, રહસ્ય કહે કરી ખાંત. ૪

ક્યારેક હરિજન રે, દેશદેશના આવે;

ઉત્સવ ઉપર રે,પૂજા બહુવિધ લાવે. ૫

જાણી પોતાના રે, સેવક જન અવિનાશી;

તેમની પૂજા રે, ગ્રહણ કરે સુખરાશી. ૬

ભક્ત પોતાના રે, તેને શ્યામ સુજાણ;

ધ્યાન કરાવી રે, ખેંચે નાડી પ્રાણ. ૭

ધ્યાનમાંથી રે, ઉઠાડે નીજ જનને;

દેહમાં લાવે રે, પ્રાણ ઇન્દ્રિય મનને. ૮

સંતસભામાં રે, બેઠા હોય અવિનાશ;

કોઇ હરિજનને રે, તેડવો હોય પાસ. ૯

પહેલી આંગળી રે, નેત્ર તણી કરી સાન;

પ્રેમાનંદ કહે રે, સાદ કરે ભગવાન. ૧૦


પદ - ૪


મોહનજીની રે, લીલા અતિ સુખકારી;

આનંદ આપે રે, સુણતાં ન્યારી ન્યારી. ૧

ક્યારેક વાતો રે, કરે મુનિવર સાથે;

ગુચ્છ ગુલાબના રે, ચોળે છે બે હાથે. ૨

શીતળ જાણી રે, લીબું હાર ગુલાબી;

તેને રાખે રે, આંખ્યું ઉપર દાબી. ૩

ક્યારેક પોતે રે, રાજીપામાં હોય;

વાતો કરે રે, કથા વંચાય તોય. ૪

સાંભળે કીર્તન રે, પોતે કાંઇક વિચારે;

પૂછવા આવે રે, જમવાનું કોઇ ત્યારે. ૫

હાર ચડાવે રે, પૂજા કરવા આવે;

તેના ઉપર રે, બહુ ખીજી રીસાવે. ૬

કથા સાંભળતાં રે, હરે હરે કહી બોલે;

મર્મ કથાનો રે, સુણી મગન થઇ ડોલે. ૭

ભાન કથામાં રે, બીજી ક્રિયા માંય;

ક્યારેક અચાનક રે, જમતાં હરે બોલાય. ૮

થાય સ્મૃતિ રે, પોતાને જ્યારે તેની;

થોડુંક હસે રે, ભક્ત સામું જોઇ બેની. ૯

એમ હરિ નિત નિત રે, આનંદ રસ વરસાવે;

એ લીલા રસ રે, જોઇ પ્રેમાનંદ ગાવે. ૧૦


પદ - ૫


સાંભળ સજની રે, દિવ્ય સ્વરૂપ મુરારી;

કરે ચરિત્ર રે,મનુષ વિગ્રહ ધારી. ૧

થયા મનોહર રે, મોહન મનુષ્ય જેવા;

રૂપ અનુપમ રે, નિજ જનને સુખ દેવા. ૨

ક્યારેક ઢોલિયે રે, બેસે શ્રી ઘનશ્યામ;

ક્યારેક બેસે રે, ચાકળે પૂરણ કામ. ૩

ક્યારેક ગોદડું રે, ઓછાડે સહિતે;

પાથર્યું હોય રે, તે પર બેસે પ્રીતે. ૪

ક્યારેક ઢોલિયા રે, ઉપર તકીયો ભાળી;

તે પર બેસે રે, શ્યામ પલાંઠી વાળી. ૫

ઘણુંક બેસે રે, તકિયે ઓઠીંગણ દઇને;

ક્યારેક ગોઠણ રે,બાંધે ખેસ લઇને. ૬

ક્યારેક રાજી રે,થાય અતિશે આલી;

સંત હરિજનને રે, ભેટે બાથમાં ઘાલી. ૭

ક્યારેક માથે રે,લઇ મેલે બે હાથ;

છાતી માંહે રે, ચરણ કમળ દે નાથ. ૮

ક્યારેક આપે રે, હાર તોરા ગિરિધારી;

ક્યારેક આપે રે, અંગનાં વસ્ત્ર ઉતારી. ૯

ક્યારેક આપે રે, પ્રસાદીના થાળ;

પ્રેમાનંદ કહે રે, ભક્ત તણા પ્રતિપાળ. ૧૦


પદ - ૬


એવાં કરે રે, ચરિત્ર પાવનકારી;

શુકજી સરખા રે, ગાવે નિત્ય સંભારી. ૧

ક્યારેક જીભને રે, દાંત તળે દબાવે;

ડાબે જમણે રે, પડખે સહજ સ્વભાવે. ૨

છીંકજ્યારે, આવેરે, ત્યારેરૂમાલલઇને;

છીંક ખાય રે, મુખ પર આડો દઇને. ૩

રમુજ આણી રે, હસે અતિ ઘનશ્યામ;

મુખ પર આડો રે, રૂમાલ દઇ સુખધામ. ૪

ક્યારેક વાતો રે, કરતા થકા દેવ;

છેડે રૂમાલને રે, વળ દેવાની ટેવ. ૫

અતિ દયાળુ રે, સ્વભાવ છે સ્વામીનો;

પરદુઃખ હારી રે, વારી બહુ નામીનો. ૬

કોઇને દુઃખીયો રે, દેખી ન ખમાય;

દયા આણી રે, અતિ આકળા થાય. ૭

અન્ન ધન વસ્ત્ર રે, આપીને દુઃખ ટાળે;

કરૂણા દ્રષ્ટિ રે, દેખી વાનજ વાળે. ૮

ડાબે ખભે રે, ખેસ આડસોડે નાખી;

ચાલે જમણા રે, કરમાં રૂમાલ રાખી. ૯

ક્યારેક ડાબો રે, કર કેડ ઉપર મેલી;

ચાલે વાલો રે, પ્રેમાનંદનો હેલી. ૧૦


પદ - ૭


નિત નિત નૌત્તમ રે, લીલા કરે હરિરાય;

ગાતાં સુણતાં રે, હરિજન રાજી થાય. ૧

સહજ સ્વભાવે રે, ઉતાવળા બહુચાલે;

હેત કરીને રે, બોલાવે બહુ વ્હાલે. ૨

ક્યારેક ઘોડે રે, ચડવું હોય ત્યારે;

ક્યારેક સંતને રે, પીરસવા પધારે. ૩

ત્યારે ડાબે રે, ખભે ખેસને આણી;

ખેસને બાંધે રે, કેડ સંગાથે તાણી. ૪

પીરસે લાડુ રે, જલેબી ઘનશ્યામ;

જણસ જમ્યાની રે, લઇ લઇ તેનાં નામ. ૫

ફરે પંગતમાં રે, વારંવાર મહારાજ;

સંત હરિજનને રે, પીરસવાને કાજ. ૬

શ્રદ્ધા ભક્તિ રે, અતિ ઘણી પીરસતાં;

કોઇના મુખમાં રે, આપે લાડુ હસતાં. ૭

પાછલી રાત્રી રે, ચાર ઘડી રહે જ્યારે;

દાતણ કરવા રે, ઉઠે હરિ તે વારે. ૮

નાવા બેસે રે, નાથ પલાંઠી વાળી;

કર લઇ કળશ્યો રે, જળ ઢોળે વનમાળી. ૯

કોરે વસ્ત્રે રે, કરી શરીરને લુવે;

પ્રેમાનંદ કહે રે, હરિજન સર્વે જુએ. ૧૦


પદ - ૮


રૂડા શોભે રે, નાહીને ઉભા હોય;

વસ્ત્ર પહેરેલું રે, સાથળ વચ્ચે નીચોવે. ૧

પગ સાથળને રે, લુહીને સારંગપાણી;

કોરા ખેસને રે, પહેરે સારીપેઠે તાણી. ૨

ઓઢી ઉપરણી રે, રેશમી કોરની વ્હાલે;

આવે જમવા રે, ચાખડીએ ચડી ચાલે. ૩

માથે ઉપરણી રે, ઓઢી બેસે જમવા;

કાન ઉઘાડા રે, રાખે મુજને ગમવા. ૪

જમતાં ડાબા રે, પગની પલાંઠી વાળી;

તે પર ડાબો રે, કર મેલે વનમાળી. ૫

જમણા પગને રે, રાખી ઉભો શ્યામ;

તે પર જમણો રે, કર મેલે સુખધામ. ૬

રૂડી રીતે રે, જમે દેવના દેવ;

વારે વારે રે, પાણી પીધાની ટેવ. ૭

જણસ સ્વાદુ રે, જણાય જમતાં જમતાં;

પાસે હરિજન રે, બેઠા હોય મનગમતા. ૮

તેમને આપી રે, પછી પોતે જમે;

જમતાં જીવન રે, હરિજનને મન ગમે. ૯

ફેરવે જમતાં રે, પેટ ઉપર હરિ હાથ;

ઓડકાર ખાય રે, પ્રેમાનંદનો નાથ. ૧૦


પદ - ૯


ચળુ કરે રે, મોહન તૃપ્ત થઈને;

દાંતને ખોતરે રે,સળી રૂપાની લઈને. ૧

મુખવાસ લઈને રે, ઢોલિયે બિરાજે;

પૂજા કરે રે, હરિજન હેતે ઝાઝે. ૨

પાંપણ ઉપર રે, આંટો લઈ અલબેલો;

ફેંટો બાંધે રે, છોગું મેલી છેલો. ૩

વર્ષાઋતુને રે, શરદઋતુને જાણી;

ઘેલા નદીનાં રે, નિર્મળ નીર વખાણી. ૪

સંત હરિજનને રે, સાથે લઈ ઘનશ્યામ;

ન્હાવા પધારે રે, ઘેલે પૂરણકામ. ૫

બહુ જળ ક્રિડા રે, કરતા જળમાં ન્હાય;

જળમાં તાળી રે, દઈને કીર્તન ગાય. ૬

ન્હાઈને બારે રે, નીસરી વસ્ત્ર પહેરી;

ઘોડે બેસી રે, ઘેર આવે રંગ લહેરી. ૭

પાવન યશને રે, હરિજન ગાતા આવે;

જીવન જોઈને રે, આનંદ ઉર ન સમાવે. ૮

ગઢપુરવાસી રે, જોઈને જગઆધાર;

સુફળ કરેછે રે, નેણાં વારંવાર. ૯

આવી બિરાજે રે, ઓસરીએ બહુનામી;

ઢોલિયા ઉપર રે, પ્રેમાનંદના સ્વામી. ૧૦


પદ - ૧૦


નિજ સેવકને રે, સુખદેવાને કાજ;

પોતે પ્રગટયા રે, પુરુષોત્તમ મહારાજ. ૧

ફળિયા માંહિ રે, સભા કરી બીરાજે;

પૂરણ શશી રે, ઉડુગણમાં જેમ છાજે. ૨

બ્રહ્મરસ વરસે રે, તૃપ્ત કરે હરિજનને;

પોઢે રાત્રે રે, જમી શ્યામ શુદ્ધ અન્નને. ૩

બે આંગળીઓ રે, તિલક કર્યાની પેરે;

ભાલ વચ્ચે રે, ઉભી રાખી ફેરે. ૪

સુતાંસુતાં રે, માળા માગી લઈને;

જમણે હાથે રે, નિત ફેરવે ચિત્ત દઈને. ૫

ભુલ ન પડે રે, કેદી એવું નિયમ;

ધર્મકુંવરની રે, સહજ પ્રકૃતિ એમ. ૬

ભર નિદ્રામાં રે, પોઢયા હોય મુનિરાય;

કોઈ અજાણે રે, લગાર અડી જાય. ૭

ત્યારે ફડકી રે, જાગે સુંદર શ્યામ;

કોણ છે ? પૂછે રે, સેવકને સુખધામ. ૮

એવી લીલા રે, હરિની અનંત અપાર;

મેં તો ગાઈ રે, કાંઈક મતિ અનુસાર. ૯

જે કોઈ પ્રીતે રે, શીખે સુણે ગાશે;

પ્રેમાનંદનો રે, સ્વામી રાજી થાશે. ૧૦


Source :- Nitya Niyam
Shree Swaminarayan Temple Bhuj

Post a Comment

Thank you for your review

Previous Post Next Post

hanumanji hd images

ganesh wallpaper

Swami Narayan image

SwamiNarayan IMG